પુરુષોત્તમ ઉપાધ્યાય

એ ઝિંદગી ગલે લગા લે – પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય

  • નંદિની ત્રિવેદી

Legendary Composer Padmashree Purushottam Upadhyay came out like a warrior beating Corona. Much has been written about the skyrocketing achievements of music, hundreds of popular tunes, his experiences in the music world, his gurus, his relatives. He easily conveyed the nuances of music to the music lovers by revealing the words of the song. Many fans are familiar with the delicious journey of the composer since childhood.

“Has the attitude towards life changed?” In reply to a question, Purushottambhai says, “The value of life is more understood. Humanity should never give up. We are indebted to all the well-wishers who prayed and sent greetings for us. “

August 15 is the birthday of this expert. Pre birthday musical celebration took place on 14th August on the SwarGurjari YouTube channel and it was a treat to the audience.

જીજીવિષા, આ શબ્દનો ખરો અર્થ આ કોરોનાકાળમાં દરેકને સમજાઈ ગયો છે. જિંદગીથી વિશેષ કશું જ મહત્વનું નથી અને જિંદગી ટકાવવા સારા સ્વાસ્થ્યથી અગત્યનું કંઈ નથી એ સત્ય સામે આવી ગયું છે. જાન હૈ તો જહાન હૈ! આખી દુનિયા મહામારીના કટોકટી કાળમાંથી પસાર થઈ રહી છે. એક સૂક્ષ્મ વાયરસની સામે ઝઝૂમી રહી છે. પરંતુ, કેટલાય યોદ્ધાઓ એને હરાવીને, વિજેતા બનીને, વિજયતિલક સાથે સ્વગૃહે પાછા ફર્યા છે. સલામ છે આ બધાં વોરિયર્સને. આવા જ એક યોદ્ધા, આપણા સૌના માનીતા, લાડીલા, પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનો વિજયદિન ઉજવવો છે. ૧૫મી ઓગસ્ટ એ આ મહારથીનો  જન્મદિન. સંક્રમિત રોગને પરાસ્ત કરીને એમણે ગયા વર્ષે નવજીવન મેળવ્યું. સ્વાતંત્ર્ય દિને જ જેમનો જન્મ થયો હોય એમને ભલા કોણ બાંધી શકે?

પુરુષોત્તમભાઈ, સૌથી પહેલાં તો આપના અઢળક ચાહકો, શ્રોતાઓ વતી જન્મદિવસની અનંત શુભકામના. એમના ૮૭મા જન્મ દિવસની સંગીતમય ઉજવણી ૧૪મી ઓગસ્ટે રાત્રે આઠ વાગ્યે Swar Gurjari યુટ્યુબ ચેનલ પરથી થવાની છે.

હજુ ગત વર્ષના કટોકટી કાળમાં મહાવ્યાધિ કોરોનાને મ્હાત કરીને એક યોદ્ધાની જેમ પુરુષોત્તમભાઈ બહાર આવ્યા. સંગીતની આસમાનને આંબતી સિદ્ધિઓ,  સેંકડો લોકપ્રિય સ્વરાંકનો, સંગીતજગતના એમના અનુભવો, એમના ગુરુજનો, સ્વજનો વિશે તો કેટલું ય લખાયું. ગીતના શબ્દોને ઉઘાડી આપીને સંગીતની બારીકીઓ સરળ-સહજ રીતે સંગીતચાહકો સુધી એમણે પહોંચાડી આપી. બાળનટથી સંગીતકાર પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયની રોચક સફરથી ઘણા ચાહકો પરિચિત છે. પરંતુ, આજે વાત કરવી છે એમની પોસ્ટ કોરોના જિંદગી વિશે. એમની સાથે વાતચીત કરવા કૉલ કરીને પહેલો સવાલ તો એ જ પૂછાયો; “કોરોના થવાની દહેશતે તમે શું અનુભવ્યું?”

“ઘરમાં સૌથી પહેલાં મારાં પત્ની ચેલનાને આ વ્યાધિનાં લક્ષણો દેખાયાં હતાં. એની કેવી રીતે સારવાર કરવી, હોસ્પિટલમાં દાખલ કરવી કે નહીં એ બધી ધમાલમાં અમે હતાં. બહારથી કોઈને બોલાવાય નહીં એટલે દીકરી-જમાઈઓ બધી મહેનત કરે. હજુ ચેલનાને દાખલ કરી ત્યાં મને તાવ ભરાવા લાગ્યો. મને પણ સીધો હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો. શારીરિક નબળાઈ વધતી જતી હતી પણ મન મક્કમ હતું. આ વ્યાધિમાં મનની શક્તિ જાળવી રાખવી બહુ અગત્યની હતી. હોસ્પિટલની રૂમમાંથી ફક્ત નિર્જન રસ્તો દેખાય. દિવસમાં એકાદ-બે વાર ડોક્ટર-નર્સની વિઝિટ. જાત સાથે જ જીવવાનું હતું. આસપાસ કોઈ નહીં.”

“તમે મિસ શું કરતા હતા?” પ્રશ્નના ઉત્તરમાં કહે, “મારો સવારનો રિયાઝ. મારી સવાર સંગીતના સૂરોથીજ પડે. હોસ્પિટલમાં તો સર્જિકલ સાધનો જ જોવા મળે એમાં હું મારો તાનપુરો ક્યાં શોધું? મારા પરિવારને ઘણું મિસ કરતો હતો. દીકરીઓ વિરાજ-બીજલ સાથે વિડિયોકૉલથી સંપર્કમાં રહેતો હતો. ક્યારેક કોઈ મિત્ર સાથે વાત કરી લઉં. પરંતુ, અશક્તિને કારણે ઓછી વાતચીત કરતો. 21 દિવસ હું હોસ્પિટલમાં રહ્યો. માંદગીમાં ડૉક્ટરો જ આપણા ભગવાન હોય છે. ઈશ્વર કૃપા અને ડૉક્ટરોના સઘન પ્રયાસોથી મને નવજીવન મળ્યું. ફરી કાર્યરત થઈ જવું છે, પણ પછી વિચાર આવે કે કાર્યક્રમો તો થવાના નથી, છતાંય સંગીતમગ્ન તો રહેવું જ છે. ઓડિટોરિયમ્સ ફરી ધમધમતાં જોવાં છે. અમને કલાકારોને તાળીઓની ગૂંજ વિના ચેન ના પડે.”

“જીવન પ્રત્યેનો અભિગમ બદલાયો છે?” સવાલના જવાબમાં પુરુષોત્તમભાઈ એટલું જ કહે છે કે, “જીવનનું મૂલ્ય વધારે સમજાય છે. માનવતા કદી છોડવી નહીં. બાકી, હવે તો એ જ કહી શકું કે રામ રાખે તેમ રહીએ. અમારે માટે અસંખ્ય શુભચિંતકોએ પ્રાર્થના કરી, શુભેચ્છાઓ મોકલી એ સૌના અમે ઋણી છીએ.”

“87મા જન્મદિવસે શું ઈચ્છા છે? ઉજવવાનું મન થાય છે?”
“એક જ ઈચ્છા છે કે કોઈને કોરોના ન થાય. જેમને થયો હોય એ બધાં જ સ્વસ્થ થઈ જાય. આખી દુનિયા પર મહામારીની આફત હોય તો ઉજવવાનું મન કેવી રીતે થાય? ઈશ્વરને પ્રાર્થના કે આપણે સૌ આ તકલીફમાંથી સુખરૂપ બહાર આવીએ.”

પુરુષોત્તમભાઈનાં ગીતો લતાજી, રફીસાહેબ, ઉષા મંગેશકર, સુમન કલ્યાણપુર જેવાં અગ્રગણ્ય કલાકારોએ ગાયાં છે. તાજેતરમાં લૉકડાઉન દરમ્યાન જ લતાજીએ હૈયાને દરબાર ગીત યાદ કરીને પુરુષોત્તમભાઈને ફોન કર્યો હતો અને યાદ કર્યું હતું કે એના રેકોર્ડિંગ વખતે પિયાનિસ્ટ ન આવવાથી પુરુષોત્તમભાઈએ પિયાનોવાદન કર્યું હતું. આ ગીત લતાજીએ લાજવાબ ગાયું છે. ગુજરાતી કલાકારો-શ્રોતાઓ તો પુરુષોત્તમભાઈની કલા પ્રત્યે અપાર આદર ધરાવે જ છે પરંતુ, બિનગુજરાતી કલાકારો પણ એમનું સન્માન કરે છે. પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા સમર્થ ગાયક-સંગીતકાર એ પરમ તત્વની દેન છે. સંગીતકલા પ્રત્યેનું આવું સમર્પણ અને સામર્થ્ય કોઈ એક વ્યક્તિમાં દેખાય ત્યારે એમની કલાથી શ્રોતાઓ ધન્ય થાય છે. હેપી બર્થડે પુરુષોત્તમભાઈ!

Shekhar Sen

શેખર સેન: કબીર, તુલસીદાસ, વિવેકાનંદ જેવા લોકપ્રિય મ્યુઝિકલ મોનો એક્ટના અભિનેતા, ગાયક, કવિ, સ્વરકાર તથા સંગીત નાટક અકાદમીના ચેરમેન પદ્મશ્રી શેખર સેન પુરુષોત્તમભાઈ પ્રત્યે શુભકામના વ્યક્ત કરતાં કહે છે, “સુગમ સંગીત ક્ષેત્રે પુરુષોત્તમભાઈ માત્ર ગુજરાતનું જ નહીં, ભારતનું ગૌરવ છે. નદીની રેતમાં…જેવાં એમનાં સ્વરાંકન મેં ગાયાં છે. ઉર્દૂ ગઝલ પણ એ જ લહેજા સાથે ગાય. એ આલા દરજ્જાના સંગીતકાર તો છે જ પણ વ્યક્તિત્વ હસમુખું. તમે એમની પાસે જાઓ તો તમારા દુઃખ ભૂલાવી દે. એમની પાસે બેસીએ તો એટલું હસાવે કે આપણે પ્રસન્ન થઈ જઈએ. ગુજરાતીઓમાં જેમ મુખવાસ હોય ને એમ પુરુષોત્તમ ઉપાધ્યાયને મળવું એ સુખવાસ છે.”

Usha Mangeshkarઉષા મંગેશકર : સુપ્રસિદ્ધ ગાયિકા ઉષા મંગેશકરે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું, “પુરુષોત્તમભાઈ માટે શું કહું? એમની સાથે તો અમારે જૂનાં સંબંધો છે. લતાદીદી, ભાઈ હ્રદયનાથ એમને માટે બહુ આદર ધરાવે છે. એમનું સૌપ્રથમ ગીત નેજવાને પાંદડે મેં ગાયું હતું. બહુ સરસ સ્વરાંકન છે. એ પછી તો એમના સંગીત નિર્દેશનમાં કેટલીક ગુજરાતી ફિલ્મોમાં પણ મેં ગાયું હતું. એક આખું આલબમ મારાં ગુજરાતી ભાષાનાં ગીતોનું મેં કર્યું હતું એનું નામ ‘રંગ ડોલરિયો’ પુરુષોત્તમભાઈએ જ આપ્યું હતું. એમાં મેં એક ગીત ગાયું હતું ; એક ઝાડ માથે ઝૂમખડું, ઝૂમખડે રાતાં ફૂલ રે રંગ ડોલરિયો. એમણે કહ્યું કે આ સરસ નામ છે ને મેં એ રાખી દીધું હતું. એ રેકોર્ડ બહુ ચાલી હતી. તેઓ કોરોનાને હરાવીને બહાર આવ્યા એ જ બહુ મોટી વાત છે. એમને જન્મદિવસની ખૂબ વધાઈ આપું છું કે, તુમ જિયો હઝારો સાલ!”

Viraj - Bijalવિરાજ-બીજલ : પુરુષોત્તમભાઈની બન્ને દીકરીઓ વિરાજ-બીજલ મા-બાપની પડખે ખડકની જેમ ઊભી રહી હતી. પ્રેમાળ પિતાને જન્મદિવસની શુભેચ્છાઓ આપતાં તેઓ કહે છે, “પપ્પા ઝડપથી એમના મૂળ મિજાજમાં પાછા આવી જાય એ જ આજના દિવસે અમે પ્રાર્થના કરીએ છે. જિંદગીને એ બહુ ચાહે છે, સંગીતમાં હજુ કંઈક કરવું છે. જીવન પ્રત્યે એટલું બધું સકારાત્મક વલણ ધરાવે છે કે શારીરિક તકલીફો એમના મનોબળને હંફાવી શકતી નથી. હી ઈઝ અ ફાઈટર. એમણે સમાજને ઘણું આપ્યું છે તેથી જ એમની આ બીમારીમાં અનેક લોકોએ એમનાં ક્ષેમ કુશળ માટે પ્રાર્થનાઓ કરી હતી. સંગીત તો જાણે એમની જનમોજનમની સાધના હોય એવું લાગે. ધીમે ધીમે માંદગીમાંથી બહાર નીકળી રહ્યા છે છતાં આજે પણ કોઈને એમનો ક્વોટ જોઈતો હોય, મુલાકાત લેવી હોય સદાય તત્પર. હી ઈઝ અ ‘પીપલ્સ પર્સન’. એમની તબિયતના સમાચાર પૂછવા કોઈ ફોન કરે તો વીકનેસ છે એવું નહીં કહેવાનું. મમ્મી એમની સાથે મજાક કરે કે, સારું તો એમ કહીશ કે એ તો મેરેથોન દોડવા તૈયાર છે. એમના જેટલી પોઝિટિવિટી અને હિંમત અમારામાં દસ ટકા આવે તોય ઘણું. એમના સ્વસ્થ જીવનની અંત:કરણપૂર્વક પ્રાર્થના કરીએ છીએ.”

Rekha Solankiરેખા સોલંકી: 1972ની સાલથી મુંબઈના કિન્નરી વૃંદને સુગમ સંગીત શિખવાડતા પુરુષોત્તમ ઉપાધ્યાયે ગૃહિણીઓને ગાતી કરી હતી. અત્યારે તો કિન્નરી વૃંદ વટવૃક્ષ બનીને ફૂલ્યુફાલ્યું છે. પાશ્ચાત્ય સંગીતનું ક્વૉયર પ્રકારનું ગાન શિખવવાની શરૂઆત પુરુષોત્તમ ઉપાધ્યાયે જ કરી હતી. આ વૃંદ સાથે પહેલા જ વર્ષથી જોડાયેલાં રેખા સોલંકી, જે પુરુષોત્તમભાઈની ત્રીજી દીકરી સમાન છે એ કહે છે, “પુરુષોત્તમભાઈના સંગીતનો સૌથી વધુ લાભ અમને મળ્યો છે. 1972થી દર અઠવાડિયાની અમારી બેઠકમાં અમે પુરુષોત્તમભાઈ પાસેથી સંગીત-સાહિત્યનો જે ખજાનો મેળવ્યો છે એ અમૂલ્ય છે. સંગીત જ એમનું જીવન છે ને એ જ એમનો શ્વાસ. આજે પણ એમનું ગળું એટલું સરસ ચાલે છે તો પ્રભુને એ જ પ્રાર્થના કે એમના સંગીતનો સતત લાભ મળતો રહે અને એ દીર્ઘાયુષ્ય ભોગવે.”

પુરુષોત્તમ પર્વ: સુપ્રસિદ્ધ સંગીતકાર-ગાયક પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના ૮૭મા જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ વિશેષ એપિસોડ ૧૪ ઓગસ્ટ, શનિવારે રાત્રે ૮ વાગે સ્વરગુર્જરી યુટ્યુબ ચેનલ પર રજૂ થશે. ગુજરાતી સંગીત ક્ષેત્રે અનન્ય પ્રદાન કરનાર સુગમ સંગીત સમ્રાટ આદરણીય પુરુષોત્તમ ઉપાધ્યાયે સ્વરબદ્ધ કરેલાં ગીતો અગ્રગણ્ય ગાયકો દ્વારા રજૂ થશે. પુરુષોત્તમ ભાઈની સંગીત યાત્રાને માણવા શનિવારનો વિશેષ એપિસોડ બિલકુલ ચૂકશો નહીં.

પુરુષોત્તમ ઉપાધ્યાયના ૮૭મા જન્મદિનની સંગીતમય ઉજવણી ૧૪મી ઓગસ્ટે સ્વરગુર્જરી યુટ્યુબ ચેનલ પર ઉજવાઈ.‌ પુરુષોત્તમ ઉપાધ્યાય સહિત દરેક કલાકારોએ એક એકથી ચડિયાતા ગીતો રજૂ કર્યાં હતાં.‌ SwarGurjari YouTube channel પર આ કાર્યક્રમ તમે જોઈ શકો છો.

Share this post

Comment (1)

  • Mukund Deshpande Reply

    Great

    14 August 2021 at 1:40 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *