સેહત કે સૂર: સ્વાસ્થ્યનો સૂર, તંદુરસ્તીનો તાલ
કહેવાય છે કે મન શાંત, સ્થિર અને આનંદમય હોય તો તન સ્વસ્થ રહે. તંદુરસ્તીનો આધાર મન દુરસ્તી છે અને મનને પ્રસન્ન, પ્રફુલ્લિત રાખવા સંગીતથી ઉત્તમ બીજું શું હોઈ શકે?
ભારતીય સમાજમાં સંગીતનાં મૂળિયાં એટલાં ઊંડાં છે કે આપણાં પ્રત્યેક કર્મને સંગીત સાથે જોડી દેવામાં આવ્યાં છે. જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક પ્રસંગે સંગીતનો ઉપયોગ થાય છે. સંગીતનો આવો જબરજસ્ત પ્રભાવ અને જાદુ હોય તો બેશક, એ વ્યક્તિના માનસિક, શારીરિક વ્યાધિના ઉપચારમાં સહાયક નિવડે જ. એટલે જ મ્યુઝિક થેરપી નામની વૈકલ્પિક ઉપચારપદ્ધતિ વિકસી છે અને દિવસે દિવસે સમૃદ્ધ થતી જાય છે. વૈકલ્પિક ઉપચાર પદ્ધતિ રોગની તીવ્રતા ઘટાડે છે તથા મન પ્રસન્ન રાખે છે એ ધ્યાનમાં રાખીને શ્રદ્ધાપૂર્વક સ્વરોપચારનો પ્રયોગ કરવામાં આવે તો ફાયદો થાય જ.
‘સેહત કે સૂર’નાં લેખિકા નંદિની ત્રિવેદી મુંબઈનાં જાણીતાં પત્રકાર અને સંવેદનશીલ લેખિકા છે. તેમનાં ઉત્કૃષ્ટ અને જ્ઞાનવર્ધક પુસ્તકો ‘મિલે સૂર’, ‘ગીત ગુર્જરી’, ‘ગૌરવ ગુર્જરી’ ખૂબ લોકપ્રિય થયાં છે. એ સિવાય પણ તેમનાં અન્ય પુસ્તકો/સંપાદનો પ્રગટ થયાં છે.
‘સેહત કે સૂર’ એ માત્ર પુસ્તક નથી, જીવનસંગીત છે. આ પુસ્તકમાં સ્વરસાધના, સંગીત ચિકિત્સા, મંત્રોચ્ચાર-ધ્યાનનો પ્રભાવ, સાત સ્વરો-સાત ચક્રોનો સંબંધ, શાસ્ત્રીય રાગોની માનવમન પર અસર, રાગ આધારિત ફિલ્મી ગીતોની રસપ્રદ વાતો, ગાયનથેરપી તેમજ નિષ્ણાત કલાકારોની મહત્વપૂર્ણ ટિપ્પણી સહિત અનેક ઉપયોગી, મનોરંજક કથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘સેહત કે સૂર’ વાંચવા, વિચારવા, વસાવવા, માણવા તેમજ સંગીતપ્રેમીઓને ગિફ્ટ આપવા જેવું તાજગીસભર પુસ્તક છે.
ગુજરાતી ભાષામાં સંગીત વિષયક આટલું સુંદર, સચિત્ર અને માહિતીપ્રદ પુસ્તક આ અગાઉ એકેય જોવા મળ્યું નથી. લેખિકા નંદિની ત્રિવેદીએ આ પુસ્તકમાં સંગીત વિષયક અનેક વાતો, કિસ્સાઓ ખૂબ સરળ-સુંદર અને રસપ્રદ રીતે રજૂ કર્યા છે. ગાયકો, સંગીતકારો અને સંગીત ચાહકો માટે તો ‘કલેકટર્સ આઈટમ’ બની રહે એવું આ પુસ્તક છે. એન.એમ. ઠક્કરની કંપની દ્વારા પ્રકાશિત ‘સેહત કે સૂર’ પુસ્તક દરેકની તંદુરસ્તી સાથે તાલ મિલાવી શકશે એમાં બેમત નથી. પુસ્તક ખરીદવા નંદિની ત્રિવેદીનો 9820040119 ફોન નંબર પર સંપર્ક કરી શકો છો.
Leave a Reply