“મારી અને ઝાકિરની વચ્ચે જાણે પૂર્વજન્મથી ચાલી આવતી ટેલિપથી હતી” શિવજી કહેતા …
Ajit Popat | ajitmpopat137@gmail.com
1956માં સૂર સિંગાર સંસદના સ્વામી હરિદાસ સંગીત સંમેલનમાં શિવકુમાર શર્મા પહેલીવાર પોતાની કલા પ્રદર્શિત કરવા આવ્યા ત્યારનો પ્રસંગ છે. એમના વાદનનો કાર્યક્રમ પૂરો થયો ત્યારે થોડા લોકો સાથે એક પ્રૌઢ વ્યક્તિ શિવજીને મળવા આવી. આવતાં વેંત ડોગરી ભાષામાં સંબોધન કર્યું. શિવજીને આશ્ચર્ય થયું. અહીં મારી માતૃભાષા બોલનાર કોણ ? આપ ડોગરી ભાષા શી રીતે જાણો છો, શિવજીએ પ્રશ્ન કર્યો. ‘હું મૂળ જમ્મુનો છું,’ આગંતુકે કહ્યું અને ઉમેર્યું કે મારા વતનનો એક યુવાન અહીં કલા પ્રદર્શિત કરવા આવ્યો એથી મને અત્યંત આનંદ થયો છે… હું ખૂબ ખુશ થયો છું…
ત્યારપછીની વાત શિવજીના શબ્દોમાં, ‘એમના ઉમળકાભર્યા સ્વાભાવિક વર્તનથી હું ગદ્ગદ થઇ ગયો. પરિચય મળ્યો ત્યારે વધુ આનંદ થયો. એ હતા મહાન તબલાંવાદક ઉસ્તાદ અલ્લારખ્ખા. મારા કરતાં 19 વર્ષ મોટા હતા પરંતુ જરાય દંભ કે દેખાડો નહીં. મને પુત્રવત્ પ્રેમ કરતા થયા. એ પછી તો અમે કેટલાય કાર્યક્રમો સાથે કર્યા. ઉસ્તાદ અલ્લારખ્ખા સાથે મારો પહેલો પ્રોગ્રામ થયો ત્યારે ઓડિયન્સમાં ચૌદ પંદર વર્ષનો ઝાકિર પણ બેઠો હતો. અમે બંને પહેલી દ્રષ્ટિએ એકમેક તરફ ખેંચાયા. ઝાકિર મારા કરતાં લગભગ પચીસ ત્રીસ વર્ષ નાનો. નવું નવું શીખવાની એની ધગશ ગજબની હતી… અબ્બાજી (ઉસ્તાદ અલ્લારખ્ખા) પછી મારા સૌથી વધુ કાર્યક્રમો ઝાકિર સાથે થયા. અમારો સહવાસ લગભગ પચાસ વર્ષ ચાલ્યો…’
ઝાકિર માટે પંડિત શિવકુમાર શર્મા પિતા સમાન હતા. પરંતુ બંને વચ્ચે જે આત્મીયતા સ્થપાઇ એ તમે શિવજીના અંતિમ સંસ્કાર વખતે જોઇ હશે. શિવજીને એક તરફ શિવજીના પુત્ર સંતુરવાદક રાહુલ અને બીજી તરફ ઝાકિર હુસૈને ખભો આપ્યો હતો. સૌથી વધુ ગમગીન ઝાકિર જણાતો હતો. સ્મશાનમાં ચિતા પૂરેપૂરી શાંત થઇ ત્યાં સુધી ઝાકિર એેકલો-અટુલો ઊભો હતો. એવી તસવીર પણ કેટલાંક અખબારોએ પ્રગટ કરી.
શિવજીને ઝાકિર માટે વધુ પક્ષપાત હોવા પાછળ એક ખાસ કારણ હતું. શિવજી પોતે ઉત્તમ તબલાંવાદક હતા એટલે ઘણીવાર એવું બનતું કે અન્ય કોઇ તબલાંવાદક એમની સાથે સંગત કરતો હોય એણે વધુ પડતા સાવચેત રહેવું પડતું. શિવજી ખાસ કરીને મધ્યલય અને દ્રુત લયમાં એવી લયકારી કરતા કે તબલાંવાદક સજાગ ન હોય તો ક્યારેક થાપ ખાઇ જાય. એવી ક્ષણે શિવજી મલકી લેતા. જો કે ઇરાદાપૂર્વક કોઇ તબલાંવાદકને મૂંઝવી દેવાનો એમનો ક્યારેય ઉદ્દેશ નહોતો રહ્યો.
આ સંદર્ભમાં એમણે ઝાકિર માટે કરેલી વાત ખૂબ મહત્ત્વની છે. પંડિતજીએ એક મુલાકાતમાં કહેલું, મને પોતાને ઘણીવાર નવાઇ લાગતી કે આવું શી રીતે બને છે. હું ક્યારે લયકારીનું કેવું અટકચાળું કરીશ એની જાણ જાણે અગાઉથી પોતાનો થઇ ગઇ હોય એમ ઝાકિર પડકાર ઝીલી લેતો. મને એવું લાગતું કે અમારા બંનેની વચ્ચે જાણે આગલા જનમની ટેલિપથી હશે. હું જ્યાં જર્ક (આંચકો) આપીને એક ક્ષણ અટકું ત્યાં ઝાકિર પણ અટકી ગયો હોય અને બીજી જ ક્ષણે ફરી અમારી જુગલબંધી શરૂ થઇ જતી. આવું બને ત્યારે મને શબ્દાતીત આનંદ આવતો. મારી સાથે ડઝનબંધ તબલાંવાદકોએ સંગત કરી છે. પરંતુ મને પોતાને ઝાકિર સાથે વગાડવામાં જે અલૌકિક આનંદ મળ્યો છે એવો આનંદ બીજા તબલાંવાદકો સાથે બહુ ઓછો મળ્યો છે.
શિવજીએ વધુમાં કહ્યું કે ઝાકિર સાથે વાતો કરતાં મને એ જાણવા મળ્યું કે ઝાકિર જ્યારથી જાહેરમાં તબલાં વગાડતો થયો ત્યારથી એ પોતાના વાદનનું રેકોર્ડિંગ કરતો રહ્યો છે. કાર્યક્રમ પૂરો થાય ત્યારે ઘેર જઇને એ પોતાનું રેકોર્ડિંગ સાંભળે અને પોતાની કોઇ ઊણપ રહી ગઇ હોય એ સુધારવા રોજ કરતાં વધુ રિયાઝ કરે. આમ એના વાદનમાં એવી ખૂબી આવી ગયેલી કે સંગીત નહીં જાણનારા ઓડિયન્સને પણ અનેરા આનંદનો અનુભવ થતો. અમારી વચ્ચે પિતાપુત્ર જેવો નિર્વ્યાજ સ્નેહ સ્થપાઇ ગયો હતો.
પચાસ-પંચાવન વર્ષનો સંબંધ આમ અચાનક કાળ ઝૂંટવી લે ત્યારે ઝાકિરના મન પર શી વીતી હશે એ તો એ જ જાણે. એને માટે શિવજી માત્ર સાથી કલાકાર નહોતા. પિતા સમાન વડીલ સ્વજન હતા. કદાચ, યસ કદાચ, શિવજીના બંને પુત્રો રાહુલ અને રોહિત કરતાં પણ ઝાકિરને વધુ આઘાત લાગ્યો હશે. આ વિધાનમાં કોઇને અતિશયોક્તિ લાગે તો એ સત્યની અતિશયોક્તિ ગણજો.
Leave a Reply